આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
કેટલાય મહિનાઓથી નવરાત્રીની રાહ જોવાય...
દીકરી સંગ ત્રણ સખીઓમાં જાણે કેટલીય ચર્ચાઓ થાય...
જેમકે,
ચણીયાચોડી ના રંગોની ને આભૂષણોની,
કેવીરીતે જઈશું ને કેટલાં વાગે નીકડીશું,
વહેલા જઈશું ને ખુલ્લા મેદાનમાં સુંદર ફોટા પાડીશું,
ને સાથે સાથે,
ગરબાના દરેક સ્ટેપનો રોજ અભ્યાસ થાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
જેની રાહ જોતાં હતાં તે નવરાત્રીનો દિવસ આવી જાય...
સાંજ પડે ત્યાં તો દીકરી રૂમમાં ભરાઈ જાય...
ઘડિયાળના કાંટા ફરતા જાય...
ને કેટલીય વાર પછી,
દીકરી એક્દમથી મારી સામે આવી જાય...
રંગબેરંગી ચણીયાચોડી ને એમાં આભલાં સુંદર દેખાય...
જાતજાતનાં આભૂષણો ને શણગારથી સુશોભિત,
એવી તો મનોહર લાગે,
કે શું કહું એમાં મને,
સાક્ષાત્ માતા જગદંબા કે કૃષ્ણની રાધા દેખાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
એવામાં એની ત્રણ સખીઓની પધરામણી થાય...
માં ના ગરબામાં ત્રણ સખીઓ સંગ મારી દીકરી મળે ને જાણે ચોથે ચોક પુરાય...
એક્ટિવા પર ડબલ સવારી એતો બેસી જાય...
હાથ હલાવી કહે હું આવું પપ્પા મમ્મી ચાલો,
રામકબીર, જય શ્રી કૃષ્ણ બાય બાય...
ક્યારે પહોંચીશું ક્યારે પહોંચીશું મનમાંથી જાણે બુમો પડતી જાય...
ઉતાવળ છે વહેલા પહોંચવાની પણ કેમ કરી પહોંચાય...
વહેલા વહેલા જ્યારે દરેક સિગ્નલ ગ્રીન થઈ જાય...
ચાલો હાશ ગરબાનું મેદાન તો આવી ગયું,
પણ એક્ટિવા પાર્ક ક્યાં કરું મનમાં એવી મૂંઝવણ ઊભી થાય...
જેમતેમ કરી,
સાચવીને એક્ટિવા પાર્ક કરી,
ચારે સખીઓ લહેરાતી,મલકાતી વાતો કરતી,
મેદાન તરફ ચાલતી જાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
અંધારી રાત્રિમાં એક મોટા મેદાનમાં અસંખ્ય લાઇટોની ચમકદમક દેખાય...
વચ્ચેવચ અંબે માતા બિરાજમાન હોય,
ને સાથે સ્ટેજ ઉપર મધુર અવાજમાં ગરબા ગાનાર ગાયકોનો સાથ હોય,
આ દ્રશ્ય જોઈને સખીઓ સંગ દીકરી મારી એવી તો હરખાય...
કે એમનાં મુખનું એ સ્મિત કોઈ ત્રાજવે ના તોલાય...
મેદાનમાં પહોંચીને,
અંબે માતાના દર્શન કરીને,
થોડા ફોટા ને થોડી સેલ્ફીમાં આવી જાય...
આમ કરતાં કરતાં હવે ગરબાનો સમય થઈ જાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
કુમકુમ પગલે પધારો માં ના ગરબે અંબે માતાને બોલાવાય...
ને આમ ગરબાની શરૂઆત ત્રણ તાળીથી થાય...
એક કુંડાડું બે કુંડાડા ધીરેધીરે કેટલાય કુંડાડા થાય...
પછી તો,
મેદાનમાં બે તાળી,ડોધીયું ને રાસની રમઝટ બોલાય...
જો કોઈ કોઈને શોધવા જાય તો પોતે ખોવાઈ જાય...
સુંદર ગરબાના તાલ સાથે,
દીકરીના હાથ-પગની ચાલ સાથે,
એનો ચહેરો હસતો ને આંખો રમતી જાય...
પોતે ગોળ ગોળ ગરબા રમે ને,
લાગે એવું જાણે આખી ધરતી ચકરાવા ખાય...
ક્યારેક શ્યામ વગર એકલું લાગે તો,
ક્યારેક મોર બની થનગાટ કરતી જાય...
ક્યારેક મોર બની થનગાટ કરતી જાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
કોઈ ગોવાડિયો બને કોઈ ગોપી બને,
કોઈ રાધા તો કોઈ કૃષ્ણ બની જાય...
જાતજાત ને ભાતભાતના રૂપ ધરી સૌ ગરબે રમતા જાય...
જ્યાં જુઓ ત્યાં બસ કૃષ્ણ સંગ રાધા ને ગોપીઓ રમતી દેખાય...
અંબે માં ને રાધા કૃષ્ણના ગરબામાં સૌ કોઈ ભાન ભૂલી જાય...
ક્યારેક ચાલુ ગરબે અવાજ બંધ થઈ જાય...
ને ફક્ત તબલાના તાલે સૌના પગલાં થીરક થીરક થાય...
સૌ એવા તો તાનમાં આવી જાય...
કે મનમા એવુ થાય જો જો ભાઈ,
ભૂલેચૂકે કોઈ એમની અડફેટમાં ના આવી જાય...
જોતજોતામાં તો અંબા માતાની આરતીનો સમય થઈ જાય...
ને સૌને થોડો વિરામ અપાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
બ્રેક પડે કે તરત,
દીકરી મારી ને સખીઓ ત્રણ આમ તેમ,
ખાલી ખુરશીઓ જોઈ ત્યાં ગોઠવાઈ જાય...
ને પાણીનાં આખાં બોટલ ગટ ગટ ઉતારી જાય...
પછી એક પાપડીનો લોટ ને બીજી સમોસા ખાય...
ત્રીજી મંગાવે મોમોસ ને ચોથી પેપ્સીની આખી બોટલ ગટકી જાય...
બસ આમ નાસ્તાપાર્ટી પૂરી થાય ત્યાં તો,
અંબે માતાની આરતીનો સમય થાય...
સૌ કોઈ ઉભા થઈ માતાની આરતીમાં જોડાઈ જાય...
આરતી પછી ગરબાના બીજા રાઉંડનો રણકાર થાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
ફરી પાછી ગરબાની શરૂઆત ત્રણ તાળીથી થાય...
કેટલાય કુંડાડા ને,
બે તાળી,ડોધિયાની રમઝટ બોલાય...
દીકરી મારી સખીઓ સંગ ગરબાના તાલમાં ખોવાઈ જાય...
છેલ્લે છેલ્લે,
ટીમલી ને સનેડો પણ રમતી જાય...
જોતજોતામાં આજનાં આ ગરબા પુરા થાય...
આમ એક નહીં બે નહીં નવ દિવસ આમજ થાય...
આવી નવરાત્રી નવલી નવરાત્રી,
આનંદથી ઉજવાય...
મારી દીકરી રોજ ગરબે રમવા જાય...
1 Comments
Very nice
ReplyDelete