મારી દીકરી.../Mari Dikri...


મારી દીકરી મારા જીવનનું અજવાળું,
પાડયા છે તારા દરેક પળના ફોટા...
તું આંખો ખોલે ને આળશ મરડે તે પળના,
બાળપણના તારા દરેક નખરાંના,
ને તારી નિખાલસ સ્મિતના,
ક્યારેક કોઈ વાતે આવતાં ક્રોધના,
ને મારાથી રિસાઈને મોઢું ચઢાવતા,
પરિવાર ને સખીઓ સંગ મસ્તી કરતા,
ને તારા દરેક જન્મ દિવસનાં,
તું પરી જેવી દેખાય એવા દરેક કપડામાં,
મારી દીકરી મારા જીવનનું અજવાળું,
પાડયા છે તારા દરેક પળના ફોટા... 

મારી દીકરી મારા જીવનનું અજવાળું,
ઉતારી છે તારી દરેક પળની રીલ...
મારી આંગળી પકડી નાના ડગલાં ભરતી હોય,
ને ખડખડાટ હસતી હોય એવી દરેક પળની,
તારા દરેક તોફાનોની,
ને મને ઘોડો બનાવી ખુબ હરખાતી હોય તેની,
ઢીંઞલી સાથે રમતી ને તેને શણગારતી,
સુંદર રંગોથી રમતી ને ડીજેમાં ડાંસ કરતી,
સખીઓ સંગ ગરબે ઘુમતી,
મારી દીકરી મારા જીવનનું અજવાળું,
ઉતારી છે તારી દરેક પળની રીલ...

મારી દીકરી મારા જીવનનું અજવાળું,
હું માંગુ તારો ચહેરો રહે હમેશાં હસતો...
તને જીવનસાથી મળે મનગમતો,
જેનું દિલ હોય હીરા જેવું,
ને ચહેરો દિવ્ય તેજથી ચમકતો,
તારા મુખ પર ખુશી જોવા તે દરેક પ્રયાસ કરતો,
તને સાસુ-સસરામાં મમ્મી-પપ્પાનો,
ને નણંદમાં સખીનો પ્રેમ મળતો
હમેશાં સૌનો પ્રેમ તારી ઉપર રહે વરસતો,
મારી દીકરી મારા જીવનનું અજવાળું,
હું માંગુ તારો ચહેરો રહે હમેશાં હસતો...

મારી દીકરી મારા જીવનનું અજવાળું,
મારું ગૌરવ મારું અભિમાન...
હોય પિયર કે સાસરી તારી,
દેખાય હમેશાં તારા ચહેરા પર મુસ્કાન પ્યારી,
તારી આ મુસ્કાન જ છે,
મારા માટે સોનાની ખાણ,
પરિવારને એક રાખી સૌની સેવા કરે તું સારી,
જ્યારે કોઈ કહે તારી દીકરી તો બહુ સંસ્કારી,
ત્યારે અશ્રુઓથી છલોછલ આંખો હરખાય મારી,
દીકરી કોણ કહે તું પારકી,
તું છે મારું સ્વાભિમાન,
મારી દીકરી મારા જીવનનું અજવાળું,
મારું ગૌરવ મારું અભિમાન...

મારી દીકરી મારા જીવનનું અજવાળું,
જ્યારે આવશે તારી યાદ...
તારા મુખ પર રેલાતું એ સ્મિત,
વારંવાર જોવાનું મન થાય,
ખોલીને બેસીશ તારા દરેક ફોટા ને રીલ,
તને હસતી જોઈને હું થોડો હસી લઈશ,
તને રિસાઈલી જોઈને હું માફી માંગી લઈશ,
તને ડાંસ કરતાં જોઈ હું પણ થોડો નાચી લઈશ,
બસ આમ જ તારા ફોટા ને રીલ જોઈશ,
ને તારી સાથે થોડી પળ જીવી લઈશ,
મારી દીકરી મારા જીવનનું અજવાળું,
જ્યારે આવશે તારી યાદ...