આ જીવન એક વાર્તા જ છે...



આ જીવન એક વાર્તા જ છે,
વાર્તા છે મારી તમારી...

વાર્તામાં પાત્રો ઘણાં છે,
કેટલાય નર છે તો કેટલીય નારી...

કોઈની પાસે છે રંગ અને ચિત્રોની,
તો કોઈની પાસે છે શબ્દોની કલાકારી...

કોઈની ભૂમિકા ખરાબ છે,
તો કોઈની છે સારી...

કોઈ ચલાવે છે મોંઘી બાઇક ને કાર,
તો કોઈ ચલાવે છે સાઇકલ અને લારી...

કોઈ સુવે છે પોતાના ઘરમાં,
તો કોઈ ખુલ્લા આકાશની નીચે લગાવીને મચ્છરજારી...

કોઈ દયા અને પ્રેમ લૂંટાવે છે,
તો કોઈ ને છે પૈસાની ખુમારી...

આ જીવન એક વાર્તા જ છે,
વાર્તા છે મારી તમારી...

કોઈ ઉડે છે ઊંચા આકાશમાં,
તો કોઈનાં માટે છે ધરતી સારી...

કોઈ દરેક પરિસ્થિતિમાં રહે છે હસતો,
તો કોઈને છે વાતે વાતે રડવાની બીમારી...

કોઈ ને જોઈએ છે પ્લેન અને ટ્રેન તો,
કોઈ ને જોઈએ છે બસ અને રિક્ષાની સવારી...

કોઈ ડગલે ને પગલે ઠગતો રહે છે,
તો કોઈ નિભાવે છે જીવનભર વફાદારી...

કોઈ હમેશાં ચૂપચાપ રહે છે,
તો કોઈ હમેશાં રહે છે બીજા પર ભારી...

કોઈ કરવા તૈયાર છે દરેક કામ,
તો કોઈને નડે છે બેરોજગારી...

આ જીવન એક વાર્તા જ છે,
વાર્તા છે મારી તમારી...

કોઈને મળે છે જીવનનાં જોઈતા દરેક સુખ,
તો કોઈને મળે છે બસ લાચારી...

કોઈ આગળ વધે છે પોતાના બળે,
તો કોઈ બીજાને ટક્કર મારી...

કોઈને નથી મળતો અન્નનો એક દાણો,
તો કોઈનાં માટે પીરસાય છે છપ્પન ભોગની થારી...

કોઈ મિલકત માટે પરિવાર તોડે,
તો કોઈની છે પરિવારને જ મિલકત સમજવાની ભાવના સારી...

કોઈ દેશસેવા માટે રૂપિયો પણ ના છોડે,
તો કોઈની દેશસેવા માટે પરિવાર પણ છોડવાની છે તૈયારી...

કોઈ હમેશાં રહે છે સ્વસ્થ,
તો કોઈ ને છે જીવનનાં અંત સુધી બીમારી...

આ જીવન એક વાર્તા જ છે,
વાર્તા છે મારી તમારી...