એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...
બાળપણની દરેક યાદો ઝરમર વરસાદની જેમ વરસતી ગઈ...
એ માથે બે ચોટલી અને ખભે ચઢાવી બેગ શાળાએ જતી તું યાદ આવી ગઈ...
મમ્મીના થોડા ગુસ્સાથી ડરી જતી પણ પપ્પાની પરી બની જતી એ વાત યાદ આવી ગઈ...
ક્યારેક મારા માટે પિતાની ફટકાર તો ક્યારેક માતાની મમતા બની ગઈ...
મુશ્કેલીમાં મિત્ર બનીને મારી પડખે ઊભી થઈ ગઈ...
એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...

ક્યારેક હું તને રડાવતો તો ક્યારેક હસાવતો તે બધી યાદો થઈ ગઈ...
પણ સાચુ કહુ તો તારો હસતો ચહેરો જોવો એ અમારી આદત બની ગઈ...
બાળપણમાં જે બહેનનો અર્થ અને પર્વ ના સમજાય પણ સમય જતાં જેનાં માટે ગર્વ અનુભવાય એવી લાગણીમાં યાદ આવી ગઈ...
આ બાળપણ યાદ કરતા જોતજોતામાં મારી આંખો ભીની થઈ ગઈ...
એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...

હજુ તો સપના જોયા હતા આગળ ભણવાના ત્યાં તો વરસાદની ઋતુમાં તું પરણી ગઈ...
અને તે સપનાની હોળી વરસાદના પાણીમાં ક્યાંક બીજે વહી ગઈ...
પોતાના સપનાં અધૂરા મૂકીને બીજાનાં સપનાં પૂરા કરતી થઈ ગઈ...
તારી ખુશીઓમાં દરેકને સાથે રાખી દુઃખમાં એકલી થઈ ગઈ...
ખબર પણ ના પડી મારી બહેન તું ક્યારે મોટી થઈ ગઈ...
એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...

માતાના સ્વાભિમાન અને પિતાના ગૌરવમાં તું યાદ આવી ગઈ...
ખુશી તો ત્યારે થાય છે જ્યારે કોઈ કહે તારી બહેન તો તારા કરતાં આગળ નીકળી ગઈ...
જે ફુલોની જેમ નાજૂક હતી તે આજે મજબૂત મનોબળ બની ગઈ...
એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...

બાળપણના તહેવારોમાં રક્ષાબંધન યાદ આવી ગઈ...
રાખડી ભલે એક દોરી હોય પણ એમાં રહેલી ભાવનાઓમાં તું મોટી થઈ ગઈ...
તહેવારોની ભેગી કરેલી બચત ક્યારેક મારી પર લૂંટાવી દેતી તે મીઠી યાદો થઈ ગઈ...
આ બાળપણ યાદ કરતા પળભરમાં મારી આંખો ભીંજાઈ ગઈ...
એકાંતમાં હું બેઠો હતો ને મારી બહેન તારી યાદ આવી ગઈ...